Thursday, 28 August 2025

ક્યાં સુધી જીવી શકો

 જીભમાં ખારાશ લૈને, ક્યાં સુધી જીવી શકો?

આંખમાં લાલાશ લૈને, ક્યાં સુધી જીવી શકો?


જીંદગીનો શું ભરોસો? આજ છે, ને કાલ નૈ,

એક આશાના સહારે, ક્યાં સુધી જીવી શકો?


એ મળ્યાં, છૂટાં પડ્યાં, ને તું હજીયે ત્યાં જ છે?

વેદનાઓના સહારે, ક્યાં સુધી જીવી શકો?


દેવ સામે હાથ જોડી, તું ય ત્યાં થાશે ખડો?

દેવતાઓના સહારે, ક્યાં સુધી જીવી શકો?


છે ઘણાં એવાં ય કર્મો, કે બધું પામી શકો,

વારતાઓના સહારે ક્યાં સુધી જીવી શકો?


06/06/2020

Sunday, 24 August 2025

એમ પણ બને

તું અને હું

 તેં ધરી છત્રી, ને હું પલળી ગયો,

સાવ કોરોકટ હતો, વરસાદ માં.


તુજ મિલન કે સ્પર્શમાં જે ના મળી, 

એ અનુભૂતિ છે તારી યાદમાં.


શેર મારા સાંભળી, તું અવગણે, 

એ મજા મળતી નથી, આ દાદમાં.


મારી સઘળી વેદના વાચા બની, 

મૌન તારું ગુંજતું સંવાદમાં.


તું ભરે ડગલાં બધાં નિયમ મુજબ, 

મારી સઘળી જીંદગી અપવાદમાં.


06/09/2019



તો ખરો!

 જિંદગાની તેં દીધી દરિયા સમી,

અશ્રુઓ મીઠાં બનાવે, તો ખરો!


આ હૃદય પાષાણ જેવું તેં કીધું,

લાગણી એમાં વહાવે, તો ખરો!


દુશ્મનો દાના દીધા સઘળા મને,

દોસ્તો ઉમદા અપાવે, તો ખરો!


જીવવાનાં કૈં બહાનાં તેં દીધાં,

મોતનું કારણ બતાવે, તો ખરો!


ઘા બધા છાતીએ લેવા સજ્જ છું,

પીઠને લાયક બનાવે, તો ખરો!


28/08/2018

કૃષ્ણ

 મા કને થી બાળ લૈને નિકળો,

ચોકીઓને થાપ દૈને નિકળો.


હો ભલે અંધાર કાળી રાતનો,

ટોપલે અજવાસ લૈને નિકળો.


જળ વિખૂટાં થૈને રસ્તો આપશે,

સાથમાં અવતાર લૈને નિકળો.


છો, ભલે બારેય મે' ખાંગા થયા,

શેષનો સથવાર લૈને નિકળો.

એક દિ'ની બાળકી પણ બોલશે,

સૌનો તારણહાર લૈને નિકળો. 


17/08/2025 નંદ મહોત્સવ. 

Monday, 18 August 2025

યોગેશ્વર

 જે કરે વસ્ત્રો હરે, તે ચીર પણ પૂરે કદી,

વાત છે વિશ્વાસની, શરણાગતીની વાત છે.


ગોપબાળો સંગ રમતો, યુદ્ધ માં પણ ખેલતો,

વાત છે સૌહાર્દની, વીરત્વની પણ વાત છે.


ગોકુળે ગાયો ચરાવે, હસ્તે ગોવર્ધન ધરે,

વાત છે પુરુષાર્થની, સામર્થ્યની પણ વાત છે.


ગોપીઓ સંગ રાચતો, શત્રુને યે સંહારતો,

વાત છે જો પ્રેમની, તો દંડની પણ વાત છે.


વાંસળી હોઠે ધરે, ગીતા ય એ સંભળાવતો,

વાત છે સંગીતની તો જ્ઞાનની પણ વાત છે.


સૌનો તારણહાર એ ને મિત્ર કાજે સારથી,

વાત છે ઉદ્ધારની, તો સખ્યની પણ વાત છે.


ચક્ર પણ એ ધારતો, ને વિષ્ટિમાં પણ  મોખરે,

વાત છે જો યુદ્ધ ની તો શાંતિની પણ વાત છે.


16 August 2025

કૃષ્ણ જન્માષ્ટમી