Thursday 23 January 2020

કાંઇ નહીં

આમ જુઓ તો અઢળક ચર્ચા, આમ જુઓ તો કાંઇ નહીં;
સઘળા સરવાળાનો ઉત્તર? શૂન્ય; કહો કે કાંઇ નહીં.

માણસનું અસ્તિત્વ જગતમાં, પરપોટાથી જુદું નથી;
વિદાય ટાણે વસમું લાગે, પછી પૂછો તો? કાંઇ નહીં.

કૈં લોકો ચહેરા પર મહોરાં પહેરી રસ્તે ઊભાં છે;
દૂરથી જોતાં અંગત ભાસે, નજીક જાતાં? કાંઇ નહીં.

સહુ કોઇ પોતાનાં દર્દો લઈ ને, દર દર ભટકે છે;
મંદિર - મસ્જિદ, તિરથ કીધાં; અસર દુઆની? કાંઇ નહીં.

શૂન્ય થી ઉદ્ભવ જીવનનો, ને પૂનઃ શૂન્યમાં ભળી જશે;
શૂન્ય મહીં જ્યાં મળે શૂન્ય તો? શૂન્ય, કહો તો, કાંઇ નહીં.


૨૩/૦૧/૨૦

Monday 20 January 2020

કશું નથી

અરમાન, ઈંતજાર કે સપનાં, કશું નથી,
તારા ગયા પછી, આ જીવનમાં, કશું નથી.

ઇચ્છા જો તારી હો, તો મને આવકાર દે,
ચાહત વિના ના ખોટા વિનયમાં, કશું નથી.

દુઃખ-દર્દ સ્વરમાં, કે ન લાગણી હો આંખમાં,
ભિનાશ વિનાના દિલાસામાં, કશું નથી.

એવું નથી કે શ્વાસ હું લેતો નથી હવે,
ખૂશબો ન તારી હો તો હવામાં, કશું નથી.

દિલને મળેલ જખ્મ પર, ક્યાં એની છે અસર?
નિષ્ફળ ગયા હકિમ, દવામાં કશું નથી.

20/01/2020

Saturday 18 January 2020

ભલે દૂરનું સગપણ રાખો


ભલે દૂરનું સગપણ રાખો,
જીભે થોડું ગળપણ રાખો.

ટિકા કોઈની કરતાં પહેલાં,
ખુદની સામે દર્પણ રાખો.

ધન, વૈભવ યૌવનમાં માણો,
નજરો સામે ઘડપણ રાખો.

ખુશી આપણી, દુઃખ પોતાનાં,
જીવન કદી ન નિર્ભર રાખો.

લાખ વિપત્તિ આવે તો પણ,
શિર ગૌરવથી અધ્ધર રાખો.

મિત્ર હોય કે શત્રુ, એને,
આંખો સામે હરપળ રાખો.

ઈશ્વર પોતે કરે પ્રતિક્ષા,
વિદાય એવી ઝળહળ રાખો.


18/01/2020