Wednesday 8 January 2014

માણસ કેવો



માણસ કેવો? કોના જેવો? ક્ષણિક જન્મતા ઝાકળ જેવો!

કદી ઘમંડી સાગર જેવો, કદી સીમટતો ગાગર જેવો.


કોઈને ડારે, ડરે કોઈ થી, ક્ષણ માં વીર ને પામર જેવો,

ક્ષણ માં રીઝે ક્ષણ માં ખીજે, આશુતોષ ના તાંડવ જેવો.


ઘડીક હઠીલો અને ટેકીલો જાણે અડગ હિમાલય જેવો,

ફરી મળે જો રસ્તામાં તો ઠેબે ચડતા પથ્થર જેવો.


કોઈના સુખમાં રડતો રહેતો, દુ:ખે કોઈના વળી ફુલાતો,

દેખાડો કરવામાં જાણે કાચીંડા ના સહોદર જેવો.

 

દ્વાર ખોલીને બેસે એવો ઠાઠ નવાબી દાતા જેવો,

દેવાલય માં જઈ ને રીઝવે ભીખ માંગતા ચાકર જેવો.


ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો,

ક્ષણે ક્ષણે બદલાતો એ તો નિત્ય નવેલી મોસમ જેવો.

 

કોઈને કાજે પુષ્પ શો કોમળ, કોઈને ડસતી સાપણ જેવો,

હોય ગમે તેવો એ કિન્તુ, મળવા જેવો, ગમવા જેવો.

1 comment:

Current 4 Competition said...

મજા પડી ગઈ કેયુર. ખુબ સરસ.