Saturday 25 January 2014

બેઠો છું

હૃદયમાં કેટલાં દર્દો લઈને બેઠો છું,

એ જ શબ્દો, નવા અર્થો લઈને બેઠો છું.


 અહીં થી કોઈ’એ ઉઠાડશો નહીં મુજને,

એના દર્શનની ઉંડી પ્યાસ લઈને બેઠો છું.


 આંખ ખાલી છે તને એમ જો લાગે તો ભલે!

ઘણાં શમણા, ઉમીદ, આશ લઈને બેઠો છું. 


મારી ગંભીરતા નો અર્થ, હું શાંત છું એ નથી,

ચીરીને જો જીગરમાં આગ લઈને બેઠો છું.


 હજાર ભાવો ઉભરાય છે આ અંતર માં,

ભલે અભાવ અહીં લાખ લઈને બેઠો છું.

Thursday 23 January 2014

તૃષ્ણા

ખુદા બક્ષે છે તુજ ને જે, ગણી લેજે તું પ્યારું તે,
ન જાણે કેમ માણસ, તૃષ્ણાઓ ની પાસ દોડે છે.
 
કદી દોડાવે કોઈને, કદી ખુદ એ જ દોડે છે,
જીવન ની આપાધાપીમાં થઇ રમમાણ દોડે છે
 
કદી કોઈ ને છોડે છે, કદી સંબંધ તોડે છે,
રૂપૈયાકાજ એ પોતાનાંનો વિશ્વાસ તોડે છે
 
મહાલય માં શિવાલય માં ખુદાલય માં ને દેવળ માં,
બની ભિક્ષુક, ભૂલીને ખુદ નું એ સન્માન દોડે છે
 
કરે છે ત્યાગ સુખનો, શાંતિનો, આરામનો એ તો,
જીવન ના ભોગ ભોગવવા એ દિવસ રાત દોડે છે
 
કરે છે મોક્ષ ની વાતો, જીવન માં ત્યાગ ની વાતો,
આવે જ્યાં લાભ ની વાતો તો સડસડાટ દોડે છે
 
ખુદા ને પામવા ની વાત એ કરતો રહે હરદમ,
ખુદા ને પામવા, ખુદ નું એ ભૂલી ભાન દોડે છે
 
જીવન માં પામવા ની લ્હાયમાં ને લ્હાયમાં એ તો,
જીવનને એ મુકીને હોડ માં દિન રાત દોડે છે.

Thursday 16 January 2014

કોણ માનશે

સુરજમુખીની ડાળ જે વાંકી વળી હતી,
સુરજ કિરણ નો હાથ ઝાલી, કોણ માનશે?


મળતાં જ દ્રષ્ટો દ્રષ્ટ બે હૈયાં મળી ગયાં,
પરભવ ની ઓળખાણ હતી, કોણ માનશે?


દેખાય છે વેરાન, જાણે કોઈ જંગલ સમ,
એ ઘર કદી ગુલફામ હતું, કોણ માનશે?
 
આંખો એ કરી વાત હૃદય સાંભળી ગયું,
જોતાં જ થયો પ્યાર, ભલા કોણ માનશે?
 
ચીરી ને અંધકાર ફૂટ્યું તેજ જ્ઞાન નું,
દીવા તળે અંધાર હતો, કોણ માનશે?
 
જે હાથો એ ભોંક્યું હતું છાતી મહીં ખંજર,
એ દોસ્ત વફાદાર હતો, કોણ માનશે?

Friday 10 January 2014

શી ખબર


હસ્તરેખામાં લખ્યું શું? શી ખબર!
જીંદગી જાશે મધુરી? શી ખબર!

કાલ કોણે જોઈ? જઈને પૂછ તું,
સહુ’ય કહેશે, છે દીવાનો? શી ખબર!

શું મળ્યું છે ને શું મળવા જોગ છે?
છોડ ચિંતા, કાલ શું છે? શી ખબર!

તેં કર્યું જે કંઈ કરી શકતો હતો,
સારું શું ને શું છે ખોટું? શી ખબર!

કોઈનો વિશ્વાસ ના કરતો અહીં,
કોઈ તુજ પાછળ બકે શું? શી ખબર!

દોસ્ત સમજી જો કર્યો તેં એતબાર,
શક્ય છે, તું ખાય ધોખો! શી ખબર!

Wednesday 8 January 2014

માણસ કેવો



માણસ કેવો? કોના જેવો? ક્ષણિક જન્મતા ઝાકળ જેવો!

કદી ઘમંડી સાગર જેવો, કદી સીમટતો ગાગર જેવો.


કોઈને ડારે, ડરે કોઈ થી, ક્ષણ માં વીર ને પામર જેવો,

ક્ષણ માં રીઝે ક્ષણ માં ખીજે, આશુતોષ ના તાંડવ જેવો.


ઘડીક હઠીલો અને ટેકીલો જાણે અડગ હિમાલય જેવો,

ફરી મળે જો રસ્તામાં તો ઠેબે ચડતા પથ્થર જેવો.


કોઈના સુખમાં રડતો રહેતો, દુ:ખે કોઈના વળી ફુલાતો,

દેખાડો કરવામાં જાણે કાચીંડા ના સહોદર જેવો.

 

દ્વાર ખોલીને બેસે એવો ઠાઠ નવાબી દાતા જેવો,

દેવાલય માં જઈ ને રીઝવે ભીખ માંગતા ચાકર જેવો.


ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો,

ક્ષણે ક્ષણે બદલાતો એ તો નિત્ય નવેલી મોસમ જેવો.

 

કોઈને કાજે પુષ્પ શો કોમળ, કોઈને ડસતી સાપણ જેવો,

હોય ગમે તેવો એ કિન્તુ, મળવા જેવો, ગમવા જેવો.