Saturday 22 February 2014

જિંદગી

જિંદગી નો સાર શું? સમજાય છે?
કોઈ કંઈ કરતું નથી,
આ બધું બસ થાય છે.

એવું ક્યાં છે, શ્વાસ વેચાતા નથી?
ને હવે તો લાગણી પણ
સિક્કા એ તોળાય છે.

પ્રિયતમ ના શ્વાસ માં ખુશ્બો બની,
થાય મન ભળવાનું પણ
ત્યાં ક્યાં હવે પહોચાય છે?

શોધતા મળશે બધું આ જગત માં,
છે ખુદા ક્યાં પૂછશો તો
પથ્થરો અથડાય છે.

ભીડ માં શોધું છું શું પૂછો મને
એક જણ નું કામ છે
કોઈ માનવી દેખાય છે?

છે અનોખું આ જગત રંગો ભર્યું,
ભીતરે થી રાત કાળી,
ક્યાંય દીવો થાય છે?

Monday 17 February 2014

જાનેમન

 
જો કદી મારા વિશે ચર્ચા થશે,
નામ તારું પણ ઉપડશે જાનેમન!
 
લોક કહેશે કેવો દીવાનો હતો!
ફાડી ને દિલ કરતો ચાહત જાનેમન!
 
તે કહ્યું કે સિંચ પાણી બાગ માં,
રક્ત થી મેં બાગ સીંચ્યો જાનેમન!
 
સહુ યે કહેતા તું કદી આવીશ નહીં,
તો’યે ઉઘાડી રાખી બારી જાનેમન!
 
તુજ મિલન ની આશ માં ને આશ માં,
જિંદગી આખી વિતાવી જાનેમન!
તું ના આવી, મોત સામે છે ઉભું,
શો જુલમ છે આ ખુદાનો જાનેમન!
 
તારા દર્શન ની રહી એવી લગન,
કબ્ર પર કોરાવી આંખો જાનેમન!

Saturday 8 February 2014

આદત પડી ગઈ છે

જખ્મો ખુરેદવાની આદત પડી ગઈ છે,
બોલી બગાડવાની આદત પડી ગઈ છે.

આખો’ય આ હિમાલય, ઉપાડી લેત હું પણ,
ટેકાઓ માંગવાની આદત પડી ગઈ છે.

કંઈ કેટલાય મિત્રો, શત્રુ બની ગયા છે,
દિલ સૌનું તોડવાની આદત પડી ગઈ છે.

દઈદે હજાર જખ્મો, તું થાય તે કરીલે
સાચું જ બોલવાની આદત પડી ગઈ છે.

હો કેટલાં પ્રલોભન, નિયત ડગાવનારાં,
સીધા જ ચાલવાની આદત પડી ગઈ છે.

તારા બધા બચાવો, છે વ્યર્થ મારે માટે,
ખોટું લગાડવાની આદત પડી ગઈ છે.

કોઈએ હોય સામે, હથિયાર હો કે ના હો,
સૌને નમાવવાની આદત પડી ગઈ છે.

કોઈ ગમે તે માને, હું પાછો આવવાનો,
બોલેલું પાળવાની આદત પડી ગઈ છે.

ભૂલી ગયાં મને સૌ, શું થઇ ગયું છે એમાં?
મન મોટું રાખવાની આદત પડી ગઈ છે.

કરી લે બધા પ્રયત્નો અમને રડાવવાના,
આંસુને પી જવાની આદત પડી ગઈ છે.

માણસનું સાવ એવું, જેવો સફળ થયો કે,
સૌને ભૂલી જવાની, આદત પડી ગઈ છે.

ખંજર લઈને પાછળ ઉભો છે દોસ્ત શાને?
ઘા છાતીએ લેવાની આદત પડી ગઈ છે.

સામે ખુદા ઉભો છે, તેમાં વળી થયું શું?
શિર ઊંચું રાખવાની આદત પડી ગઈ છે.
 
 

Sunday 2 February 2014

ધર્મ

બદલી ને નામ કૃષ્ણ નું રાખે કોઈ ખુદા
કહેશે સુરજ ને આફતાબ શું ફેર પડે છે.
 
પઢશે કોઈ કુરાન કે પઠશે કોઈ ગીતા
સિદ્ધાંત પ્રેમ શાંતિનો સહુમાં ફરે છે.
 
ઈશ્વર છે એક તેણે ઘડ્યાં માનવી સરખાં
હિંદુ છે કોઈ, કોઈ મુસલમાન થયો છે.
 
હિંદુ હો કે મુસ્લિમ હો કે હો પારસી, શીખ, જિન
લોહી બધા ની રગ રગ માં લાલ વહે છે.
 
સર્વ ધર્મ નો સાર છે બસ શાંતિ, પ્રેમ, કર્મ
ક્યારે સમજશું આપણે આ આપણો માનવ ધર્મ.