Thursday 23 January 2020

કાંઇ નહીં

આમ જુઓ તો અઢળક ચર્ચા, આમ જુઓ તો કાંઇ નહીં;
સઘળા સરવાળાનો ઉત્તર? શૂન્ય; કહો કે કાંઇ નહીં.

માણસનું અસ્તિત્વ જગતમાં, પરપોટાથી જુદું નથી;
વિદાય ટાણે વસમું લાગે, પછી પૂછો તો? કાંઇ નહીં.

કૈં લોકો ચહેરા પર મહોરાં પહેરી રસ્તે ઊભાં છે;
દૂરથી જોતાં અંગત ભાસે, નજીક જાતાં? કાંઇ નહીં.

સહુ કોઇ પોતાનાં દર્દો લઈ ને, દર દર ભટકે છે;
મંદિર - મસ્જિદ, તિરથ કીધાં; અસર દુઆની? કાંઇ નહીં.

શૂન્ય થી ઉદ્ભવ જીવનનો, ને પૂનઃ શૂન્યમાં ભળી જશે;
શૂન્ય મહીં જ્યાં મળે શૂન્ય તો? શૂન્ય, કહો તો, કાંઇ નહીં.


૨૩/૦૧/૨૦

Monday 20 January 2020

કશું નથી

અરમાન, ઈંતજાર કે સપનાં, કશું નથી,
તારા ગયા પછી, આ જીવનમાં, કશું નથી.

ઇચ્છા જો તારી હો, તો મને આવકાર દે,
ચાહત વિના ના ખોટા વિનયમાં, કશું નથી.

દુઃખ-દર્દ સ્વરમાં, કે ન લાગણી હો આંખમાં,
ભિનાશ વિનાના દિલાસામાં, કશું નથી.

એવું નથી કે શ્વાસ હું લેતો નથી હવે,
ખૂશબો ન તારી હો તો હવામાં, કશું નથી.

દિલને મળેલ જખ્મ પર, ક્યાં એની છે અસર?
નિષ્ફળ ગયા હકિમ, દવામાં કશું નથી.

20/01/2020

Saturday 18 January 2020

ભલે દૂરનું સગપણ રાખો


ભલે દૂરનું સગપણ રાખો,
જીભે થોડું ગળપણ રાખો.

ટિકા કોઈની કરતાં પહેલાં,
ખુદની સામે દર્પણ રાખો.

ધન, વૈભવ યૌવનમાં માણો,
નજરો સામે ઘડપણ રાખો.

ખુશી આપણી, દુઃખ પોતાનાં,
જીવન કદી ન નિર્ભર રાખો.

લાખ વિપત્તિ આવે તો પણ,
શિર ગૌરવથી અધ્ધર રાખો.

મિત્ર હોય કે શત્રુ, એને,
આંખો સામે હરપળ રાખો.

ઈશ્વર પોતે કરે પ્રતિક્ષા,
વિદાય એવી ઝળહળ રાખો.


18/01/2020

Saturday 14 April 2018

ઇશ્વર

મન નથી, બુદ્ધિ નથી કે ન કર્મ છું;
દેહ નહીં, વાણી નહીં કે ન અંગ છું.

આગ નહીં, માટી નહીં, નહીં આસમાન;
જળ નહીં, વાયુ નહીં કે ન પ્રાણ છું.

ના કોઈ આકાર, ના ગુણ, રૂપ-રંગ;
ધર્મ, અર્થ, ન કામ કે ન મોક્ષ છું.

જન્મ-મૃત્યુ, ધનમાં કે નહીં દૈન્યમાં;
બાલ્ય, યૌવન કે જરા કે ન રોગ છું.

પાપમાં હું નથી, નથી હું પુણ્યમાં;
ના સમય, સુખ-દુઃખ કે ન ભોગ છું.

જાતિમાં નહીં, દેશમાં, નહીં વર્ણમાં;
પ્રેમ, મમતા, મિત્રતા કે ન શોક છું.

કર્મકાંડમાં હું નથી, નથી વાદમાં;
મંદિરોમાં હું નથી કે ન તિર્થ છું.

તર્કમાં હું નથી, ન અર્થ, ન શાસ્ત્રમાં;
દર્શને નહીં, શ્રુતિ, સ્મૃતિ કે ન વેદ છું.

પ્રકૃતિ છું, શૂન્ય છું, બ્રહ્માંડ છું;
સર્વવ્યાપક સત્યનો અજવાશ છું.

Friday 30 March 2018

તું


ખૂબ ઝંખેલી હતી, એ પળ સમી તું,
મધ્ય રણમાં ઝાંઝવાનાં જળ સમી તું.

મેં જીવનમાં જે કદી સાચી કરી નહીં,
એ ખુદાની બંદગી ના ફળ સમી તું.

જ્યાં હું જોઉં, ત્યાં બધે તારું જ દર્શન,
ન હો પણ દેખાય એવા છળ‌ સમી તું.

આ જીવનમાં ચોતરફ અંધાર જેવું,
ભિતરે થી થાય એ ઝળહળ સમી તું.

તું કદી મળશે નહીં, એ છે ખબર પણ,
જીવવા પ્રેરે એ પ્રેરક બળ સમી તું.

Thursday 20 April 2017

એવો હું નથી

મંદિરોના દ્વાર પર અથડાઉં, એવો હું નથી,

કોઇનો પડછાયો થઇ પૂજાઉં, એવો હું નથી.



શખ્સિયત છે મારી સઘળાથી જુદી,

મોરનું ઈંડું થઇ ચિતરાઉં, એવો હું નથી.



તારા મોંઢા પર જે કહેવું છે, કહીશ,

પીઠ પાછળ ગીત તારાં ગાઉં, એવો હું નથી.



તેં કરેલા સહુ ગુનાહો માફ છે,

મેં કરેલો પ્યાર ભૂલી જાઉં એવો હું નથી.



મારાં રોમેરોમમાં તારું સ્મરણ,

એ ક્ષણોને ક્ષણમાં ભૂલી જાઉં, એવો હું નથી.



જીંદગીનો હું પ્રવાસી એકલો,

કબ્રમાં કોઇના ટેકે જાઉં, એવો હું નથી.

Sunday 16 April 2017

તું ને હું

તું ને હું ના બે સીમાડા,
આજ કાલ ના આ સરવાળા!
વ્યસ્તતાનું બહાનું કરીને,
એક બીજાને છેતરનારા!
સામે બારણે બેઠાં તોયે,
એક બીજાથી સંતાનારા!
કોઈને કોઈ બહાનાં લઈને,
બધો સમય બસ બાખડનારા!
સમય નદી ને, ક્ષણો વહેણ સમ,
એક જગાએ ના રહેનારા!
એક નદીના બે જ કિનારા,
તોયે કદીયે ના મળનારા.

Sunday 9 March 2014

ખુદા હાફિઝ

જરા હિંમત કરી તો જો, ખુદા હાફિઝ છે તારો;

ચીલો તું ચાતરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


પ્રતીક્ષા ક્યાં સુધી કરશો? સુરજ ઉગે કે ના ઉગે;

જરા દીવો ધરી તો જો, ખુદા હાફિઝ છે તારો. 


ભલે રસ્તો અજાણ્યો હો, ને ના હો રાહબર સાથે;

કદમ આગળ ભરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


વિપત્તિ હોય કેવી’એ, ના સરતો તું નિરાશામાં;

સમય સામે લડી તો જો, ખુદા હાફિઝ છે તારો.


જમાનો  છો ઉભો, ખંજર લઈને હાથમાં સામે;

જરા સામે પડી તો જો, ખુદા હાફિઝ છે તારો. 


ફરેબી લોક દુનિયાનાં, ગમે ત્યારે દગો દેશે;

ભરોસો તું કરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


પ્રણયની વેદનાઓ સ્હેલ છે, જો એમ માને તો;

અખતરો તું કરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


થયું છે કોઈનું, તે આ જગત તારું થવાનું છે?

પ્રયત્ન તું કરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


જડે ના ક્યાંય તુજને જો કિરણ એકાદ આશાનું;

જરા એને સ્મરી તો જો, ખુદા હાફિઝ છે તારો.

Saturday 8 March 2014

દિલ ની આરઝુ

આ દિલ ની આરઝુ તું, ને જુસ્તજુ યે તું છે,
મુજ ને ભૂલીને જો ને, બેઠી છું જાન તું તો

ચારે તરફ છે દરિયા, દુનિયાની સાઝીશોના
તરી ને એ સર્વ દ્વારે આવ્યો છું જાન હું તો

લોકો સહુ કહે છે, દીવાનો મુજ ને તારો
લઇ દિલનું ચૈન જો ને ચાલી છું જાન તું તો

આ દર્દને ભૂલીને શ્વાસો ભરું છું હું તો
કરતી ઉપેક્ષા મારી, કેવી છું જાન તું તો?

મારા સમાન પ્રિયતમ મળશે તને કદી ના
માળા કરું છું તારી, સાચે જ જાન હું તો

મુજ દર્દ ને વિસારી બેઠી છું જાન તું તો
મુજ દર્દ ની દવા તું, ઝંખુ છું જાન હું તો.

Saturday 22 February 2014

જિંદગી

જિંદગી નો સાર શું? સમજાય છે?
કોઈ કંઈ કરતું નથી,
આ બધું બસ થાય છે.

એવું ક્યાં છે, શ્વાસ વેચાતા નથી?
ને હવે તો લાગણી પણ
સિક્કા એ તોળાય છે.

પ્રિયતમ ના શ્વાસ માં ખુશ્બો બની,
થાય મન ભળવાનું પણ
ત્યાં ક્યાં હવે પહોચાય છે?

શોધતા મળશે બધું આ જગત માં,
છે ખુદા ક્યાં પૂછશો તો
પથ્થરો અથડાય છે.

ભીડ માં શોધું છું શું પૂછો મને
એક જણ નું કામ છે
કોઈ માનવી દેખાય છે?

છે અનોખું આ જગત રંગો ભર્યું,
ભીતરે થી રાત કાળી,
ક્યાંય દીવો થાય છે?

Monday 17 February 2014

જાનેમન

 
જો કદી મારા વિશે ચર્ચા થશે,
નામ તારું પણ ઉપડશે જાનેમન!
 
લોક કહેશે કેવો દીવાનો હતો!
ફાડી ને દિલ કરતો ચાહત જાનેમન!
 
તે કહ્યું કે સિંચ પાણી બાગ માં,
રક્ત થી મેં બાગ સીંચ્યો જાનેમન!
 
સહુ યે કહેતા તું કદી આવીશ નહીં,
તો’યે ઉઘાડી રાખી બારી જાનેમન!
 
તુજ મિલન ની આશ માં ને આશ માં,
જિંદગી આખી વિતાવી જાનેમન!
તું ના આવી, મોત સામે છે ઉભું,
શો જુલમ છે આ ખુદાનો જાનેમન!
 
તારા દર્શન ની રહી એવી લગન,
કબ્ર પર કોરાવી આંખો જાનેમન!

Saturday 8 February 2014

આદત પડી ગઈ છે

જખ્મો ખુરેદવાની આદત પડી ગઈ છે,
બોલી બગાડવાની આદત પડી ગઈ છે.

આખો’ય આ હિમાલય, ઉપાડી લેત હું પણ,
ટેકાઓ માંગવાની આદત પડી ગઈ છે.

કંઈ કેટલાય મિત્રો, શત્રુ બની ગયા છે,
દિલ સૌનું તોડવાની આદત પડી ગઈ છે.

દઈદે હજાર જખ્મો, તું થાય તે કરીલે
સાચું જ બોલવાની આદત પડી ગઈ છે.

હો કેટલાં પ્રલોભન, નિયત ડગાવનારાં,
સીધા જ ચાલવાની આદત પડી ગઈ છે.

તારા બધા બચાવો, છે વ્યર્થ મારે માટે,
ખોટું લગાડવાની આદત પડી ગઈ છે.

કોઈએ હોય સામે, હથિયાર હો કે ના હો,
સૌને નમાવવાની આદત પડી ગઈ છે.

કોઈ ગમે તે માને, હું પાછો આવવાનો,
બોલેલું પાળવાની આદત પડી ગઈ છે.

ભૂલી ગયાં મને સૌ, શું થઇ ગયું છે એમાં?
મન મોટું રાખવાની આદત પડી ગઈ છે.

કરી લે બધા પ્રયત્નો અમને રડાવવાના,
આંસુને પી જવાની આદત પડી ગઈ છે.

માણસનું સાવ એવું, જેવો સફળ થયો કે,
સૌને ભૂલી જવાની, આદત પડી ગઈ છે.

ખંજર લઈને પાછળ ઉભો છે દોસ્ત શાને?
ઘા છાતીએ લેવાની આદત પડી ગઈ છે.

સામે ખુદા ઉભો છે, તેમાં વળી થયું શું?
શિર ઊંચું રાખવાની આદત પડી ગઈ છે.
 
 

Sunday 2 February 2014

ધર્મ

બદલી ને નામ કૃષ્ણ નું રાખે કોઈ ખુદા
કહેશે સુરજ ને આફતાબ શું ફેર પડે છે.
 
પઢશે કોઈ કુરાન કે પઠશે કોઈ ગીતા
સિદ્ધાંત પ્રેમ શાંતિનો સહુમાં ફરે છે.
 
ઈશ્વર છે એક તેણે ઘડ્યાં માનવી સરખાં
હિંદુ છે કોઈ, કોઈ મુસલમાન થયો છે.
 
હિંદુ હો કે મુસ્લિમ હો કે હો પારસી, શીખ, જિન
લોહી બધા ની રગ રગ માં લાલ વહે છે.
 
સર્વ ધર્મ નો સાર છે બસ શાંતિ, પ્રેમ, કર્મ
ક્યારે સમજશું આપણે આ આપણો માનવ ધર્મ.

Saturday 25 January 2014

બેઠો છું

હૃદયમાં કેટલાં દર્દો લઈને બેઠો છું,

એ જ શબ્દો, નવા અર્થો લઈને બેઠો છું.


 અહીં થી કોઈ’એ ઉઠાડશો નહીં મુજને,

એના દર્શનની ઉંડી પ્યાસ લઈને બેઠો છું.


 આંખ ખાલી છે તને એમ જો લાગે તો ભલે!

ઘણાં શમણા, ઉમીદ, આશ લઈને બેઠો છું. 


મારી ગંભીરતા નો અર્થ, હું શાંત છું એ નથી,

ચીરીને જો જીગરમાં આગ લઈને બેઠો છું.


 હજાર ભાવો ઉભરાય છે આ અંતર માં,

ભલે અભાવ અહીં લાખ લઈને બેઠો છું.

Thursday 23 January 2014

તૃષ્ણા

ખુદા બક્ષે છે તુજ ને જે, ગણી લેજે તું પ્યારું તે,
ન જાણે કેમ માણસ, તૃષ્ણાઓ ની પાસ દોડે છે.
 
કદી દોડાવે કોઈને, કદી ખુદ એ જ દોડે છે,
જીવન ની આપાધાપીમાં થઇ રમમાણ દોડે છે
 
કદી કોઈ ને છોડે છે, કદી સંબંધ તોડે છે,
રૂપૈયાકાજ એ પોતાનાંનો વિશ્વાસ તોડે છે
 
મહાલય માં શિવાલય માં ખુદાલય માં ને દેવળ માં,
બની ભિક્ષુક, ભૂલીને ખુદ નું એ સન્માન દોડે છે
 
કરે છે ત્યાગ સુખનો, શાંતિનો, આરામનો એ તો,
જીવન ના ભોગ ભોગવવા એ દિવસ રાત દોડે છે
 
કરે છે મોક્ષ ની વાતો, જીવન માં ત્યાગ ની વાતો,
આવે જ્યાં લાભ ની વાતો તો સડસડાટ દોડે છે
 
ખુદા ને પામવા ની વાત એ કરતો રહે હરદમ,
ખુદા ને પામવા, ખુદ નું એ ભૂલી ભાન દોડે છે
 
જીવન માં પામવા ની લ્હાયમાં ને લ્હાયમાં એ તો,
જીવનને એ મુકીને હોડ માં દિન રાત દોડે છે.

Thursday 16 January 2014

કોણ માનશે

સુરજમુખીની ડાળ જે વાંકી વળી હતી,
સુરજ કિરણ નો હાથ ઝાલી, કોણ માનશે?


મળતાં જ દ્રષ્ટો દ્રષ્ટ બે હૈયાં મળી ગયાં,
પરભવ ની ઓળખાણ હતી, કોણ માનશે?


દેખાય છે વેરાન, જાણે કોઈ જંગલ સમ,
એ ઘર કદી ગુલફામ હતું, કોણ માનશે?
 
આંખો એ કરી વાત હૃદય સાંભળી ગયું,
જોતાં જ થયો પ્યાર, ભલા કોણ માનશે?
 
ચીરી ને અંધકાર ફૂટ્યું તેજ જ્ઞાન નું,
દીવા તળે અંધાર હતો, કોણ માનશે?
 
જે હાથો એ ભોંક્યું હતું છાતી મહીં ખંજર,
એ દોસ્ત વફાદાર હતો, કોણ માનશે?

Friday 10 January 2014

શી ખબર


હસ્તરેખામાં લખ્યું શું? શી ખબર!
જીંદગી જાશે મધુરી? શી ખબર!

કાલ કોણે જોઈ? જઈને પૂછ તું,
સહુ’ય કહેશે, છે દીવાનો? શી ખબર!

શું મળ્યું છે ને શું મળવા જોગ છે?
છોડ ચિંતા, કાલ શું છે? શી ખબર!

તેં કર્યું જે કંઈ કરી શકતો હતો,
સારું શું ને શું છે ખોટું? શી ખબર!

કોઈનો વિશ્વાસ ના કરતો અહીં,
કોઈ તુજ પાછળ બકે શું? શી ખબર!

દોસ્ત સમજી જો કર્યો તેં એતબાર,
શક્ય છે, તું ખાય ધોખો! શી ખબર!

Wednesday 8 January 2014

માણસ કેવો



માણસ કેવો? કોના જેવો? ક્ષણિક જન્મતા ઝાકળ જેવો!

કદી ઘમંડી સાગર જેવો, કદી સીમટતો ગાગર જેવો.


કોઈને ડારે, ડરે કોઈ થી, ક્ષણ માં વીર ને પામર જેવો,

ક્ષણ માં રીઝે ક્ષણ માં ખીજે, આશુતોષ ના તાંડવ જેવો.


ઘડીક હઠીલો અને ટેકીલો જાણે અડગ હિમાલય જેવો,

ફરી મળે જો રસ્તામાં તો ઠેબે ચડતા પથ્થર જેવો.


કોઈના સુખમાં રડતો રહેતો, દુ:ખે કોઈના વળી ફુલાતો,

દેખાડો કરવામાં જાણે કાચીંડા ના સહોદર જેવો.

 

દ્વાર ખોલીને બેસે એવો ઠાઠ નવાબી દાતા જેવો,

દેવાલય માં જઈ ને રીઝવે ભીખ માંગતા ચાકર જેવો.


ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો,

ક્ષણે ક્ષણે બદલાતો એ તો નિત્ય નવેલી મોસમ જેવો.

 

કોઈને કાજે પુષ્પ શો કોમળ, કોઈને ડસતી સાપણ જેવો,

હોય ગમે તેવો એ કિન્તુ, મળવા જેવો, ગમવા જેવો.