Saturday 8 February 2014

આદત પડી ગઈ છે

જખ્મો ખુરેદવાની આદત પડી ગઈ છે,
બોલી બગાડવાની આદત પડી ગઈ છે.

આખો’ય આ હિમાલય, ઉપાડી લેત હું પણ,
ટેકાઓ માંગવાની આદત પડી ગઈ છે.

કંઈ કેટલાય મિત્રો, શત્રુ બની ગયા છે,
દિલ સૌનું તોડવાની આદત પડી ગઈ છે.

દઈદે હજાર જખ્મો, તું થાય તે કરીલે
સાચું જ બોલવાની આદત પડી ગઈ છે.

હો કેટલાં પ્રલોભન, નિયત ડગાવનારાં,
સીધા જ ચાલવાની આદત પડી ગઈ છે.

તારા બધા બચાવો, છે વ્યર્થ મારે માટે,
ખોટું લગાડવાની આદત પડી ગઈ છે.

કોઈએ હોય સામે, હથિયાર હો કે ના હો,
સૌને નમાવવાની આદત પડી ગઈ છે.

કોઈ ગમે તે માને, હું પાછો આવવાનો,
બોલેલું પાળવાની આદત પડી ગઈ છે.

ભૂલી ગયાં મને સૌ, શું થઇ ગયું છે એમાં?
મન મોટું રાખવાની આદત પડી ગઈ છે.

કરી લે બધા પ્રયત્નો અમને રડાવવાના,
આંસુને પી જવાની આદત પડી ગઈ છે.

માણસનું સાવ એવું, જેવો સફળ થયો કે,
સૌને ભૂલી જવાની, આદત પડી ગઈ છે.

ખંજર લઈને પાછળ ઉભો છે દોસ્ત શાને?
ઘા છાતીએ લેવાની આદત પડી ગઈ છે.

સામે ખુદા ઉભો છે, તેમાં વળી થયું શું?
શિર ઊંચું રાખવાની આદત પડી ગઈ છે.
 
 

No comments: