Sunday 9 March 2014

ખુદા હાફિઝ

જરા હિંમત કરી તો જો, ખુદા હાફિઝ છે તારો;

ચીલો તું ચાતરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


પ્રતીક્ષા ક્યાં સુધી કરશો? સુરજ ઉગે કે ના ઉગે;

જરા દીવો ધરી તો જો, ખુદા હાફિઝ છે તારો. 


ભલે રસ્તો અજાણ્યો હો, ને ના હો રાહબર સાથે;

કદમ આગળ ભરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


વિપત્તિ હોય કેવી’એ, ના સરતો તું નિરાશામાં;

સમય સામે લડી તો જો, ખુદા હાફિઝ છે તારો.


જમાનો  છો ઉભો, ખંજર લઈને હાથમાં સામે;

જરા સામે પડી તો જો, ખુદા હાફિઝ છે તારો. 


ફરેબી લોક દુનિયાનાં, ગમે ત્યારે દગો દેશે;

ભરોસો તું કરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


પ્રણયની વેદનાઓ સ્હેલ છે, જો એમ માને તો;

અખતરો તું કરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


થયું છે કોઈનું, તે આ જગત તારું થવાનું છે?

પ્રયત્ન તું કરી તો જો, ખુદા હાફિઝ છે તારો.


જડે ના ક્યાંય તુજને જો કિરણ એકાદ આશાનું;

જરા એને સ્મરી તો જો, ખુદા હાફિઝ છે તારો.

No comments: